હેં વીહલા એમ કેમ ?

હેં વીહલા એમ કેમ ?

વીહલા,પાછી વળતી જાનમાં જાન્નડીને તેં ગાતા હાંભળેલી કે :
‘ગાળ ખાધી,ગોદા ખાધા પણ માણેકમોતી લાઇવા રે !’
પણ ઘરમાં પગ મૂકતાની હાથે વડીલોને પગે લાગે તિયારે સુખી થાવ ને ઘેર ભરોને બદલે
પુત્રવાળી થજે એવી મરમાળી વાતથી માણેકમોતીના સ્વાગતની સરૂઅાત થાય,
અને પછી તો રોજિંદી એ વાત થઇ જાય.
હાહુ વાતવાતમાં કે’ય ઊઠે,’સાલમાં કંઇ દમ નથી,
તારા બાપને બજારમાંથી કાસ્મીરી સાલ પણ લેતા નીં અાવળી.’
તો વળી વળતે દિવસે ઘરે બેહવા અાવેલી પળોહણને હાંબેલું
બતાવી કે’ય કે,’અા તો હાવ હરબોળા જેવું છે,વાયને ઊડી જાય તેવું
એ હું કામમાં અાવવાનું.’
પછી વાત અાગળ ચાલે : ‘પેલે દહાળે ઢોકળી બનાવી તે તો જાણે
દૂધપાક રાંઇધો ઓય તેવી. કોણ જાણે એની માએ એને હું હીખવેલું.’
ધરધામણમાં અાવેલા સ્ટીલના થાળીવાળકી પિયાલાનો સેટ જોઇને
એના કપાળ પર કરચલી પળે અને પછી બબળે : બધ્ધું અાઇલું
પણ હાથે એક કાંહાની વાળકી નીં મલી, પરસંગે જુએ તિયારે
બીજાને તાં માંગવા જવાનું.’
તો વળી સોફાસેટ જોઇને હળગી ઊઠે કે : એનો બાપ મોટો
ઓફિસર જોયોને.તે અાવે તિયારે બેહવા જુએને.પણ હાથે બાજઠ
અાપતા જાણે એના ઘરમાં ખૂટી પઇળું. વરહ દહાળે કથા વંચાવાની ઓય તિયારે
બાજઠ માંગવા એનો બાપ બામણ પાંહે જવાનો.’

‘અામ તો વઇદાગીરીમાં અાપેલાં લૂગળાંમાં કંઇ દમ નથી.
ઉપર મોટી મોટી કિંમત જાતે લખી લાખેલી એટલું જ.
પોઇરાને વીંટી હાથે મોટે ઉપાળે સૂટ એટલા હારું અાઇલો કે ઘલિયાળ અાલવું નીં પળે.
મારા બેટા હાવ કંજૂસ વાણિયા જેવા.’

એમ કરતાં વરહેક વીતી જાય
ને માણેકમોતીના સીમંતનો પરસંગ ગોઠવાય
તિયારે વઉંને વઇદા કરતા મોં ફૂલાવીને જાણે ડામ દેવાય
‘પોઇરો લેઇને જ અાવજે.’
અને એમાં પોરી જનમે તો તો માણેકમોતીને માથે કમબખતી બેહે :
‘સાલુ, વઉંનું પગલું જ હારું નંઇ,અાવી ને અાવી
ઘરમાં કંઇ ને કંઇ મુસીબત અાઇવા જ કરી’ વગેરે વગેરે વારતા ગોઠવાય.
અામ તો ઘરની બહાર લોકોને અહીઅહીને કે’વાય :
‘અમારી માણેકમોતીને તાં લક્ષ્મીજી પધાર્યા છે.’
બાકી અાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા,
હેં વીહલા એમ કેમ ?

કે’ય ઊઠે=કહી ઊઠે,સાલ=શાલ,નીં=નહિ,બેહવા=બેસવા,પળોહણ=પડોશણ,હાંબેલું=સાંબેલું,હાવ=સાવ, હરબોળા=સરબોળું,જુવારબાજરીનો સાંઠો,રાંઇધો=રાંધ્યો,હું=શું,હીખવેલું=શીખવેલું,વાળકી=વાડકી,પળે=પડે,બબળે=બબડે,કાંહાની=કાંસાની,હળગી=સળગી,
પાંહે=પાસે, વઇદાગીરી=વિદાયગીરી,લાખેલી=નાંખેલી, ઉપાળે=ઉપાડે,ઘલિયાળ=ઘડિયાળ,વઉં=વહુ,હારું=સારું,અહીઅહીને=હસીહસીને,અાથીના=હાથીના.

Advertisements

સ્વ.કિશોર રાવળને શ્રદ્ધાંજલિ

સ્વ.કિશોર રાવળ.

Screen Shot 2013-06-24 at 10.31.30 AM

કવિ-લેખક શ્રી.કિશોરભાઇ રાવળ વિશે થોડુંક…

અામ તો હું ‘કેસૂડાં’ને કારણે એમના સંપર્કમાં અાવેલો ત્યારે હું ન્યૂ જર્સીમાં રહેતો હતો.પ્રત્યક્ષરૂપે એમને પ્રથમવાર શ્રી.કૌશિક અમીન દ્વારા સિનીયર સિટીઝનના ઉપક્રમે યોજેલ કવિસંમેલનમાં જર્સી સિટી ખાતે મળવાનું થયેલું એવું મને યાદ છે.તે પછી કદાચ શ્રી.અાદિલ મન્સુરી દ્વારા યોજાતા
‘સાંઠ દિનની સભા’માં ન્યૂયોર્ક ખાતે મળેલો એવો અાછો અાછો ખયાલ છે.ત્યારે એમણે મને ‘કેસૂડાં’ માટે કૃતિ મોકલવા કહેલું. સાથે સાથે મને મીઠી ટકોર કરેલી કે મારા Kishor નામમાં તમે Kishore જોડણી કરશો નહિ. કારણકે અમે બન્ને એકજ નામેરી.એ ગાળો
હતો ૨૦૦૪ કે ૨૦૦૫ના વર્ષનો.ત્યારે મેં એમને મારી સુરતી બોલીમાં કેટલીક રચના મોકલેલી.તેમાંથી એક કૃતિ લઇ એમણે ભાવનગરી બોલીમાં તેમજ પારસી સ્તાઇલમાં ઉતારેલી.એટલું નહિ શ્રી.કાંતિભાઇ મપાણી પાસે ઉત્તર ગુજરાતી બોલીમાં કરાવેલી.અને ‘કેસૂડાં’માં સ્થાન અાપેલું.
વળી મેં ઉત્સાહિત થઇને એજ કૃતિને શ્રી ચતુર પટેલને ચરોતરી બોલીમાં ઢાળવા કહેલું.સને ૨૦૦૬માં હું વર્જિનિયા અાવ્યો.પણ અમે ફોન દ્વારા સતત સંપર્કમાં રહેતા હતા.જ્યારે સન ૨૦૦૮માં મારો સુરતી સંગ્રહ પ્રકટ થયો ત્યારે મેં એમને મારો એ સંગ્રહ મોકલેલો.જે એમણે પ્રેમપૂર્વક
વધાવી લીધો.અને એમના એક મિત્ર શ્રી.સુધાકરભાઇ શાહને મોકલવા કહેલું.અને શ્રી સુધાકરભાઇએ મને મુંબઇથી એમનો રાજીપાથી લથબથ પ્રતિભાવ મોકલેલો.અાજે એ બધી રચનાઓ મારા બ્લોગ પર એમના અક્ષરદેહમાં મૂકીને એમને યથેચ્છ શ્રદધાંજલિ દ્વારા મારું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરું છું.
કારણકે મેં એક સંનિષ્ઠ મિત્ર અને સ્નેહી ગુમાવ્યાનો મનમાં સતત વસવસો થયા કરે છે.

અાપણે રંગીલા કિશોર રાવળ
તુલસી, અા જગતમાં ભાતભાતના રંગ
કિન્તુ ભાળ્યો ભીતરમાં એક સરીખો ઢંગ
અા તુલસીદાસ ગોસ્વામીની વાત નથી,અા તો અમારા તુલસી પાનવાળાના વચનો છે! મને કોઇએ ફરિયાદ કરી કે કિશોરભાઇ, અાટલું બધું કાઠિયાવાડી લખો તો તે વાંચતા મૂંઝવણ થઇ જાય છે.હું વિચારતો હતો અને ત્યાં જ મને કિશોર મોદીની થોડી સુરતી બોલીમાં લખેલી કવિતાઓ મળી

અને મેં એવો જ મૂંઝારો અનુભવ્યો અને પેલા દોસ્તની વાત સમજાઇ ગઇ.પણ અા મીઠો મૂંઝારો હતો.ગુજરાતીની કેવી ભભક હોઇ શકે એનો ખ્યાલ અાવ્યો.અને સુરતની બોલીમાં એક મોજ અનુભવી,સમજતા અઘરું પડ્યું પણ તો પણ એક પ્રયોગ અાદર્યો.કિશોર મોદીની એક કવિતાને ભાવનગરી બોલીમાં ઉતારી અને
કાંતિ મેપાણીએ ઉત્તર ગુજરાતની બોલીમાં ઢાળી.જરા ચાખી જૂઓ એક જ વાનગી જૂદા જૂદા વઘારમાં.
૧. કિશોર મોદી… સુરતી બોલીમાં
વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચી વાંચીને થાકી ગિયા.
પેલા મોરારીબાપા કેવટનો પરસંગ મલાવી મલાવીને કે’ છે.
પણ અાપળી હમજણને એવો લૂણો લાગી ગેયલો છે ને …
મગજમાં મારું બેટું કંઇ ઉતરતું નથી.
એ તો વળી એમ પણ કે’છે કે
અમે તો વરહો વરહ વાહણને કલ્લઇ કરવાવાળા છીએ.
પણ એલીમીનના વાહણને કંઇ કલ્લઇ થતી ઓહે, વીહલા ?
૨. કિશોર રાવળ…ભાવનગરી બોલીમાં
એલા વિશળયા, રોજ રોજ કથામાં સુંદરકાંડ સાંભળી થાકી ગ્યો.
ફેરવી ફેરવીને મોરારીબાપુ પૂરા વળોટથી કેવટની વાત કરે છે
પણ મગશમાં એવાં બાવાં ઝાળાંના કોકડા બાઝ્યાં છે
કોઇ વાતે બત્તી થતી નથી.
બાપા તો ધરપત પૂરી અાપે છે કે
દર દિવાળીએ અાપણને માંજીને કલાઇ કરવા સાબદા છે
પણ અાપડે ર્યા એલમોનિયમના
તે એને કાંઇ કલાઇ ચડે ખરી
તું જ બોલ વિશલા ?
૩.કિશોર રાવળ…પારસી સ્તાઇલ બોલીમાં
સાંભલની સોલી,
સુંડરકાંડમાં રોજની રામાયન સાંભલી, સાંભલી
મારું તો ભેજું ગેપ ઠઇ ગિયું છે.
પેલ્લા મોરારી ડાડા હઠોરેઠી ઠપ્કારી ઠપ્કારી
ભેજાંમાં બટ્ટી કરવા મઠે છે.
પણ મારું ખોપરું જ ખરાબ ઠઇ ગિયું છે તે,
અંદર નહિ ઉટરટું તે નહિ ઉટરટું.
એ બાવા તો ઘન્ના સોજ્જા છે કે અમુને હર સાલ
માંજીને નવ્વી ચકચકાટ કલ્લઇ કરવા ટૈયાર બેઠ્ઠા છે.
પણ અાપને તો એલુમિનમના ટપેલાં જેવા
એને કેદારે બી કલ્લઇ ચરતી હોસે ?
બોલ સોલી, ડિકરી ટું જ બોલ !
૪.કાંતિ મેપાણી…ઉત્તર ગુજરાતી બોલીમાં
અલ્યા એ વીહલા,ઓંમ અાય ઓંમ, એક વાત કઉં.
અા રોજ હાંજે રોંમોંયણનો ઓલ્યો ભીલવાળો
પરસંગ તો હાંભળી હાંભળીને થાચ્યા.ભલેને મોરારીબાપુ
ફેરવી ફેરવીને એની એ વાત કરતા.અાપણી તો હમજણ જ હડી
ગયેલી કે અક અક્ષર હરામ બરોબર હમજાણો હોય તો.
એ તો વળી એમ પણ કીંસી કે અમે તો વરહોવરહ કલઇ
કરનારા સી. પણ એલ્મિનના વાહણને તે વળી કલઇ ચડે ખરી ?
વીહલા, હાચું કે’જે લ્યા.
૫.ચતુર પટેલ…ચરોતરી બોલીમાં
અલ્યા જીવલા
નીત હાંજે સુંદરકાન્ડ વાંચી વાંચીન
થાચી જયા.
પેલો મોરારીબાપો
કેવટ્યાનો પરસંગ મલઇ મલઇન કે’છે.
પણ
અાપડી હમજણને એવો લૂણો
લાજી જયો છ તે હાહરું
મગજમાં મારું બેટું કંઇ ઉતરતું જ નહીં.
એ તો વરી એમ પણ કે’છે કે
અમે ત
વરહો વરહ વાહણને
કલ્લઇ કરવાવાળા છયે
પણ
એલ્યુમન્યમનાં વાહણને ચ્યમની કલ્લઇ થાય
વીહલા !

મન થાય છે તમને ? એક બોલીમાં લખાયેલા ફકરાને ગુજરાતની જ બીજી બોલીના વાઘા પહેરાવી મોકલવો.
અાપણામાં વસેલું વૈવિધ્ય દૂર કરતાં બધું એક જ બીબાંમાં ઢાળેલું લાગે તો જી.

Continue reading

સ્મૃિતનાં ઝરણ પાસે ઊભેલો એક ગઝલકાર—ભરત ત્રિવેદી

અવલોકન : એક લીલી પળ અતીતની : કિશોર મોદી

 •     અમેરિકામાં લખાતી કવિતા હવે પગભર થઇ રહી છે તેમ કહીએ તો તેમાં કશી અતિશયોક્તિ કરી રહ્યા હોવાનો ભય નથી જણાતો.અહીં ગીત, ગઝલ અને અછાંદસ કવિતા અધળક લખાતી લાગે છે પણ ગઝલને એક ઉંચા સ્તરે અને તે પણ સાતત્યપૂર્વક લખતી કલમો તરફ અંગૂલિનિર્દેશ કરવો હોય તો અાદિલ, શકુર સરવૈયા,મધુમતી મહેતા, સુધીર પટેલ, ઇન્દ્ર શાહ કે ભરત ત્રિવેદી પછી બીજાં શોધવા જહેમત ઉથાવવી પડે. અાટલી ટૂંકી યાદીમાંથી પણ અાદિલજી અને ઇન્દ્ર શાહ હવે રહ્યા નથી.
 •           અમેરિકામાં વસતો પણ દેશમાં શ્વસતો એક ગઝલકાર એવો પણ છે જે પહેલી નજરે કદાચ ધ્યાન પર ન અાવે.પણ અહીં બનતી ઉત્તમ ગઝલની એન્થોલોજી બનાવવી હોય તો જેની ગઝલોને સારી એવી જગા કરી અાપવી પડે – એ નામ છે :  કિશોર મોદી. ‘જલજ, ‘મધુમાલિકા’ , ‘મોહિની’ , અને હવે તેઓ લઇને અાવ્યા છે ‘એક લીલી પળ અતીતની’ .
 •     ત્યારે હું વડોદરામાં એક બેંકમાં કામ કરતો હતો. હશે ૧૯૭૫/૭૬નો ગાળો ! એક તો ઉનાળાની બપોર અને બેંકની સબ-ઓફિસ એટલે ઝાઝી ભીડ પણ ના મળે.જોઉં છું કે બે યુવાન મારી કેબિન પાસે અાવી ઉભા છે. એકને તો હું તરત જ ઓળખી ગયો. વતનનો મારો મિત્ર હેમંત ત્રિવેદી, પણ બીજો ચશ્માધારી યુવાન કોણ ? હેમંત કહે : અા છે કિશોર મોદી ! ને મેં ઉમેર્યું – ને  ગઝલો લખે છે, બરાબરને ! તે દિવસે અમારી પહેલી મુલાકાત ! સામયિકોમાં તો તેમની ગઝલો જોઇ હતી…અાજે રૂબરૂમાં તેમની પાસે તેમની એક/બે ગઝલ સાંભળવા મળી !
 •      કિશોર મોદીની ગઝલો મને ગમે છે કેમ કે એમાં અાયાસનું પ્રમાણ નહીંવત્ ને સાદગી અને ચિંતનશીલતા વધારે. ‘એક લીલી પળ અતીતની’નો સ્થાયીભાવ છે : સ્મરણ. અનેક ઉત્તમ શે’રમાંથી જે મારાચિત્ત પર સવાર થઇ બેથા છે તે અા  રહ્યા :
 •   દરરોજ મારું ગામ અાખું સ્મરતું હોય છે,
 •  કાયમ નદી શી લાગણી ભીતર રહેલી હોય છે.
 • વતન-ઝુરાપો તો અાપણા જેવા બે-વતનીને તો લમણે લખાયેલો જ હોય છે ને ? પણ અહીં દિલને દઝાડી મૂકતી યાદો નહીં પણ શાતા અાપતી  રહેતી લાગણીની વાત થઇ રહી છે. અહીં નદી શી કહીને વતનની નદીને પણ ખૂબ કુશળતાપૂર્વક યાદ કરી લેવાઇ છે.કલમ કસાયેલી હોય ત્યારે એ બધું ડગલે ને પગલે દેખાઇ અાવતું હોય છે.એટલે જ તો ભાવક પાસે અડધે રસ્તે અાવીને મળવાની અપેક્ષા રહેતી હોય છે.શે’રમાં વેધકતા પણ કેવી કામે લાગતી હોય છે તેનો પણ એક નમૂનો અા રહ્યો : 
 •                    ‘અાટલો ગંભીર ક્યારે થઇ ગયો તું !
 •                     બાળપણના ચોતરાનું પૂછવું છે.’
 •        અહીં કોણ કોને પૂછી રહ્યું છે તેખાટી/મીથી મૂંઝવણ ધ્યાનાર્હ છે ને ?
 •       કિશોર મોદી સ્વભાવે ચિંતનશીલ વ્યક્તિ છે તેથી તેમની ગઝલમાં તે પણ ખૂબ નોંધપાત્ર રીતે દેખાઇ અાવે છે અને તેમનું ઋજુ  વ્યક્તિત્વ તેને ખૂબ પોષક પણ બને છે તેનો એક નમૂનો જોઇએ :
 •                      ‘વૃક્ષ ફૂલો પહાડ જોઇ દંગ છે કિશોર
 •                       ઇશ્વરની અાટલી બધી પરસાદી હોય છે.’
 •      ગીતાનો ‘પત્રં પુષ્પમ્ ફલમ્ તોયં’ શ્ર્લોક સ્મરણપટ પર અાવી ચડે છે ? અહીં કોણ કોને ‘પરસાદી’ ચડાવતો હોય છે ? ખુદ ઇશ્વર કે પછી તેનો અાપણા જેવો અબુધ ભગત ! તમે જ કહો કોઇ ચિંતનશીલ વ્યક્તિ અાવે સમયે દંગ રહી ના જાય તો બીજું કરે પણ શું ! જોકે અહીં પણ બે બાબતો ખાસ ધ્યાન ખેંચે છે. એક તો એ કે ગઝલકાર સરળતાને વરેલા છે. અદમ ટંકારવી સાહેબ ફરમાવે છે ને કે : 
 •                          ગઝલ લખી દો સીધીસાદી,અદમ
 •                          જીવીકાકીની સવિતા જેવી.
 •          તો અા રહી જીવીકાકીની સવિતા જેવી સરળ ગઝલો !કિશોર મોદીનું ભાષાકર્મ કે ગામથી કે સાચા અર્થમાં તો સુરતી બોલી વિશેષ નોંધપાત્ર છે. ‘એઇ વીહલા’ના સર્જક અા ગઝલસંગ્રહમાં પણ સતત ડોકાતા રહે છે.પટારે,ખાંભી,થોચકી,ડોલાભ જેવા અરૂધ શબ્દો તેમની રચનામાં  ધાણીની જેમ સતત ફૂટતા રહે છે.
 •         કોઇ પણ સભાન સર્જક નિજી સર્જનપ્રવૃતિ વિશે ના વિચારે તેમ કેવી રીતે બની શકે ! ગઝલકાર કહે છે :
 •        અા સંદર્ભે ‘લ્યો ત્યારે ગઝલ કહું ‘માં તો તેમણે એકસાથે અનેક વાત કહી દીધી છે પણ એવી સાદગીથી કે સંચયમાંની પૂરી સો ગઝલોમાં તો ક્યાંક નજર-અંદાજ થઇ જાય તો પણ ખ્યાલ ના અાવે. મને અા ગઝલ કિશોર મોદીની સિગ્નેચર ગઝલ લાગી છે. કહે છે ને કે હાથ કંગનને અારસીની જરૂર ખરી ? અાખે અાખી ગઝલ ટાંક્યા વિના બીજો કોઇ જ ઉપાય નથી.તેથી અા રહી તે ગઝલ-જરા જેટલી પણ કાપકૂપ વિના :
 •                                     લ્યો ત્યારે ગઝલ કહું
 •                     નામેરી નામે નંગ, લ્યો ત્યારે ગઝલ કહું,
 •                     શબ્દોથી થાતો દંગ, લ્યો ત્યારે ગઝલ કહું.

                            હું તાકી તાકીને તને જોયા કરું, પછી 

                           અાંખમાં અાવે રંગ, લ્યો ત્યારે ગઝલ કહું.

                           ચહેરા ઉપર હજી એના એ હાવભાવ છે,

                           છે એ જ સ્મિત, ધંગ, લ્યો ત્યારે ગઝલ કહું.

                          અાજે જુદા પ્રકારનો અણસાર અાવતો,

                          કોઇ નવ્ય છે તરંગ, લ્યો ત્યારે ગઝલ કહું.

                         સ્મરણો વડે જીતી ગયો છું હું પૂરેપૂરો 

                       હોવાપણાનો જંગ, લ્યો ત્યારે ગઝલ કહું.

                      ‘કિશોર’ જિંદગી તો એવી હોવી જોઇએ,

                      નભ ડોલતો પતંગ, લ્યો ત્યારે ગઝલ કહું.

 •               અાદિલજી તો ગયા અને તેની સાથે જ જાણે અમેરિકામાં સર્જાતી ગઝલનો ગ્રાફ દેખાઇ અાવે તેટલો નીચે ઉતરી અાવ્યો જણાય, પણ અગાઉ નોંધ લેવાઇ છે તે કલમોની સાથે કિશોર મોદી પણ એક મહત્તવનું નામ ગણાય.તેમના અા ગઝલ-સંગ્રહના અવલોકન નિમિત્તે હું રાજીપો વ્યક્ત કરું છું.

 

   

                

                            

 •                     નામેરી નામે નંગ, લ્યો ત્યારે ગઝલ કહું,
 •              
 • Continue reading